સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 15 દિવસમાં ચોથું સફળ અંગદાન થયું હતું. આ સાથે અંગદાનની સંખ્યા 56 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના લોકમાન્યા પાડા ખાતે રહેતા દિપક ભરત કાટેલાને બ્રેઈનડેડ જાહેર થતા તેઓના બે કિડની અને લિવરનું દાન થયું હતું. જેના થકી ત્રણ વ્યકિતઓને નવજીવન મળશે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના લોકમાન્યા પાડા ખાતે રહેતા અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા 44 વર્ષીય દિપક ભરત કાટેલાને ગત 24 જાન્યુઆરીની સવારે ચક્કર આવતા જ નીચે બેસાડયા હતા અને ખેંચ આવવાની સાથે જ બેભાન થઈ ગયા હતાં. જે બાદ ગામમાં આવેલ નજીકની હોસ્પિટલમાં લઇ ગયા, ત્યાથી વધુ સારવાર અર્થે પાલઘરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પરિવારમાં પત્ની નિર્મલાબેન દિપકભાઈ કાટેલા તથા દિકરી અશ્વિની દિપક કાટેલા તેમજ દીકરી જિયા જિતેશ ભૂતકડે છે. પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. તેઓની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું. બ્રેઈનડેડ દિપકભાઈ કાટેલાના બન્ને કિડની અને લિવરને અમદાવાદની CIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 56મું અંગદાન થયું છે.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
👇 Innovative Gujarat 👇


